સુરતનું આ દંપતી દર મહિને ૯ હજારથી પણ વધારે દિકરીઓને આંતરવસ્ત્રોનું દાન કરે છે

0
316
views

થોડા સમય પહેલાં આવેલી અક્ષયકુમારની મુવી પેડમેન દેશભરના થિયેટરોમાં હિટ સાબિત થયેલી. દેશભરમાં માસિક સ્ત્રાવ અને સેનેટરી નેપકીન નો મુદ્દો અચાનક ચર્ચાનો વિષય બની ગયો હતો. સુરતના એક વૃધ્ધ દંપતીએ તેના વિશે વિચારવાની હિંમત કરી હતી. તેઓ સરકારી શાળાઓમાં છોકરીઓને સ્વચ્છતા કીટ અને સેનેટરી નેપકીન નું વિતરણ કરીને તેઓની વ્યક્તિગત સ્વચ્છતા માં અને આરોગ્યમાં અસાધારણ તફાવત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતા અતુલભાઇ મહેતા અને તેમના પત્ની મીનાબેન મહેતા શહેરની ઝુંપડપટ્ટીઓ અને સરકારી સ્કૂલોમાં સ્વચ્છતા કીટનું વિતરણ કરતા આવ્યા છે. આ એક સરળ અને સામાન્ય કીટ છે, જેમાં સેનેટરી નેપકીન ના બે પેકેટ, બે અંડરગારમેન્ટ્સ, એક સાબુ અને ચાર શેમ્પુના પાઉચ નો સમાવેશ થાય છે. રોજિંદા જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જેના પર ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ તે એક યુવાન છોકરી માટે મહત્વની વસ્તુ હોય છે, ખાસ કરીને જ્યારે તે તરુણાંવસ્થામાં પહોંચે છે. આ કીટ ની કિંમત માત્ર 60 રૂપિયા છે પરંતુ અત્યાર સુધીમાં તેઓ 35 હજારથી પણ વધારે છોકરીઓને આ અમૂલ્ય ભેટ છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટની સહાયથી આપી ચૂક્યા છે.

વર્ષ 2014માં સેનેટરી નેપકીન અને આંતરવસ્ત્રો ની કીટનું વિતરણ કરતા મીનાબેન મહેતાએ જોયું હતું કે, એક યુવતી પરેશાનીમાં હતી અને રમતગમત પ્રતિયોગીતામાં ભાગ નહીં લઈ શકવાનો અફસોસ વ્યક્ત કરી રહી હતી. તેને કારણ પૂછતાં કિશોરીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું કે, ઉંમર વધવાની સાથે શરીર ભરાવદાર બનતું ત્યારે આંતર વસ્ત્રો ન હોવાને કારણે તે સંકોચ અનુભવ કરી રહી હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા રસ્તામાં ખરાબ નજરથી પણ જોવામાં આવી રહી હતી. તેની આ વાત સાંભળ્યા બાદ મીનાબેન મહેતાએ 11 વર્ષથી 14 વર્ષની 3000 જેટલી દીકરીઓને તેઓ દર મહિને બે આંતરવસ્ત્રો આપવાનું શરૂ કર્યું હતું.

મીનાબેન મહેતા દ્વારા જ્યારે સેનેટરી નેપકીન આપવામાં આવતા હતા ત્યારે એક દીકરી દ્વારા મીનાબેનના કાનમાં કહ્યું કે, “દાદી, અમારી પાસે તો પહેરવા માટે આંતરવસ્ત્રો જ નથી. અમે ૫ બહેનોની વચ્ચે માત્ર ૩ આંતરવસ્ત્રો છે, જે અને વારાફરતી પહેરીએ છીએ. તેમાં અને પેડ કેવી રીતે પહેરીએ?” આ વાત સાંભળીને મીનાબહેન ચોંકી ગયા અને તેમણે દર મહિને બે આંતરવસ્ત્રો આપવાની શરૂઆત કરી.

દીકરીઓને આંતરવસ્ત્રો આને કારણે તેઓનું આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત બન્યો હતો. જેથી તેઓ રમત-ગમતમાં પણ ભાગ લેતી બની હતી તથા સાથોસાથ અભ્યાસમાં પણ તેઓ ધ્યાન આપી શકતા હતા. અતુલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ઘણા દાતાઓ કપડાનો દાન કરતા હોય છે પરંતુ આંતરવસ્ત્રો ભાગ્યે જ કોઈ આપતું હોય છે. હાલના સમયમાં આંતરવસ્ત્રો દીકરીઓની સૌથી મોટી જરૂરિયાત બની રહેલ છે. સમાજમાં આર્થિક રીતે નબળા પરિવાર ની દીકરીઓ પાસે આંતરવસ્ત્રો ખરીદવાના પૈસા હોતા નથી. બોલીવુડની ફિલ્મ પેડમેન બાદ ઘણા લોકો સેનેટરી નેપકીન નું દાન કરે છે પણ કોઈ આંતરવસ્ત્રો આપતું નથી જેના લીધે જ અમારા ટ્રસ્ટ દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

યુવતીઓની ઉંમર વધવાની સાથે તેમનામાં હોર્મોનલ ચેન્જીસ અને બોડી સ્ટ્રક્ચરમાં બદલાવ આવે છે, જે એક સામાન્ય બાબત છે. આ સમયમાં તેઓને આંતરવસ્ત્રોની જરૂરિયાત ખૂબ જ મહત્ત્વની હોય છે. પરંતુ દેશમાં એક મોટો વર્ગ એવો પણ છે જેને પોતાની આ જરૂરિયાત પૂરી કરી શકે તેવી ક્ષમતા હોતી નથી. સમાજમાં જ્યારે પૈસા અને અનાજનું દાન કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાતને પ્રાથમિકતા આપી, આંતરવસ્ત્રોના દાનનું પ્રમાણ વધારવામાં આવે તો દીકરીઓને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું ના પડે. અમારી દ્રષ્ટિએ આનાથી મોટું દાન કદાચ બીજું કોઈ ના હોઈ શકે.

સુરત મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજુ માટે આંતરવસ્ત્રો અને સેનેટરી નેપકીન નો અર્થ શાળામાં વધુ નિયમિત હાજરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે અમારા માસિક સ્ત્રાવ દરમિયાન શાળાને છોડી દીધા હતા, કારણકે સેનેટરી નેપકીન વિના તે અમારા માટે ખુબ જ શરમજનક હતું. પરંતુ હવે આઠ અમને સ્વચ્છ રાખવામાં અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. આ વૃદ્ધ દંપતી પણ શાળાની હાજરીનું વિશેષ ધ્યાન રાખે છે અને જે છોકરીઓ ગેરહાજર રહે છે તેઓને કીટ આપતા નથી. ફક્ત ચાર વર્ષમાં તેમના લીધે શાળાના હાજરી દરમાં ઘણો ફેરબદલ થયો હતો, અને શાળાની હાજરીમાં વધારો થયો હતો.

આપણા દેશમાં વ્યક્તિગત સ્વચ્છતા અને માસિકસ્ત્રાવ વિશેની વાતચીત હજુ પણ નિષિદ્ધ છે. તેથી આ દંપતીને આવો ઉત્તમ વિચાર કેવી રીતે આવ્યો, તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, “તામિલનાડુમાં સુનામી દરમિયાન ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સુધા મૂર્તિ એ ચેન્નઈમાં સેનેટરી નેપકીનની ૪ ટ્રકો મોકલી હતી. ત્યાંથી જ મને આ વિચાર આવ્યો અને મને સમજાયું કે એક દીકરી માટે સેનેટરી નેપકીન ખૂબ જ જરૂરી હોય છે અને તેના વિના તે ખૂબ લાચાર અનુભવે છે.

સુરતના આ દંપતીએ સરકારી એજન્સીઓની કોઈ મદદ લીધા વિના મિશનની શરૂઆત કરી હતી. અતુલ મહેતાએ પોતાની બચતના 25000 રૂપિયા માંથી આ કાર્ય શરૂ કર્યું હતું. આજે આ દંપતી તેમના ફેસબુક પેજ MANUNI દ્વારા દાન સ્વીકારે છે. અતુલ મહેતાએ જણાવ્યું હતું કે, “લોકોએ આગળ આવવું જોઈએ અને આ કામને વર્જિત ન માનવું જોઈએ. લોકોએ દર મહિને નિયમિત ધ્યાન આપવા માટે કટિબદ્ધ થવું જોઈએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here