આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૯ માંથી ભારત બહાર થયા સોશિયલ મીડિયામાં ભારતીય ટીમમાં ફેરબદલની ચર્ચાઓ થઈ રહી છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ આશ્ચર્યજનક બેટિંગ લાઇનઅપમાં ફેરફારને લીધે પણ ટીકાઓ થઈ રહી છે. ખાસ કરીને ધોનીને બેટિંગમાં નીચલા ક્રમ પર ઉતારવા પર ખૂબ જ ટીકા તથા ચર્ચા થઈ રહી છે. સાથો સાથ વિરાટ કોહલીની કપ્તાનીને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વ કપ-૨૦૧૯ના સેમી ફાઇનલમાં હારીને બહાર થયા બાદ એ વાત પર ખુબ જ ચર્ચા થઈ રહી છે કે ટીમ કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધારે પડતી નિર્ભર છે. ટુર્નામેન્ટનું સ્કોરબોર્ડ આ વાતની પુષ્ટિ કરે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ સાથે જ બંનેમાં કપ્તાનીનું વિભાજન પણ કરી શકે છે.
ન્યુઝ એજેંસી આઇએએનએસ સાથે વાત કરતાં બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, આગામી સિરીઝ પહેલા બોર્ડ આ વાત પર ચર્ચા કરશે કે શું રોહિત શર્માને વન-ડે ટીમનો કપ્તાન બનાવવામાં આવે અને કોહલીને ટેસ્ટ ટીમનો કપ્તાન જાળવી રાખવામા આવે.
ભારતીય ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફર દ્વારા પણ આ બાબતને લઈને ટ્વિટ કરવામાં આવી હતી. વસીમ જાફરે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, “મારૂ માનવું છે કે રોહિત શર્માને હવે વન-ડે અને ટી-૨૦ ની કપ્તાની સોંપાવી જોઈએ. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યુ હતું કે, “આ સાચો સમય છે કે રોહિત શર્માને હવે વન-ડે અને ટી-૨૦ ની કપ્તાની સોંપી શકાય તેમ છે. હું એવું ઇચ્છું છુ કે, તેઓ ૨૦૨૩ના વિશ્વ કપમાં ભારતની કપ્તાની કરે.”
તમને જણાવી દઈએ કે આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૯ના સેમી ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારત ૧૮ રનથી હારીને ટુર્નામેન્ટની બહાર ફેંકાઇ ગઈ હતી. જેને લઈને ભારતીય પ્રસંશકો પણ ખૂબ જ નિરાશ થયા હતા. અમુક ચાહકો હવે રોહિત શર્માને ભારતીય ટીમના કપ્તાનના રૂપમાં જોવા માંગે છે.
સેમી ફાઇનલમાં હારી ગયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઉપકપ્તાન રોહિત શર્મા મુંબઈ પરત ફરી ચૂક્યા છે. મુંબઈ એરપોર્ટ પર પોતાની પત્ની અને દિકરી સાથે તેઓ જોવા મળ્યા હતા. જો કે ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ રવિવારના રોજ ઇંગ્લૈંડથી સ્વદેશ આવવા માટે રવાના થશે.
૧૩ જુલાઇના દિવસે રોહિત શર્મા પોતાની ફૅમિલી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાથી તેઓ જાતે કાર ચલાવીને ઘર તરફ જવા માટે રવાના થયા હતા. આ સમયે તેમની સાથે તેમની પત્ની રીતિકા, દિકરી સમાયરા અને પરિવારના અન્ય સભ્યો પણ સાથે હતા.