વિશ્વકપ 2019 માં ભારતે પોતાના દરેક મેચ માં શાનદાર જીત હાંસલ કરેલ છે. જોકે હજુ ઘણી મેચો ટુર્નામેન્ટમાં બાકી છે. ક્રિકેટ રસિકો માટે રોમાંચનો વિષય છે કે આ વખતે ફાઇનલ મુકાબલામાં કઈ બે ટીમો વચ્ચે મેચ જોવા મળશે. પરંતુ હવે તેને લઈને ગુગલ ના ભારતીય મૂળના CEO સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરી છે.
સુંદર પિચાઇએ કહ્યું છે કે, “આઇસીસી વિશ્વ કપ 2019 ની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે રમવામાં આવશે અને તેઓ ઇચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ સારું પ્રદર્શન કરે અને જીત મેળવે.” આ વાત તેમણે USIBC ની “ઇન્ડિયા આઈડિયા સમિટ” માં કહી હતી.
પિચાઈએ કહ્યું હતું કે, “આઇસીસી વિશ્વ કપ ફાઇનલ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે હોવી જોઈએ. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ ખૂબ જ સારી છે.” આ તેમણે USIBC ની અધ્યક્ષ નિશા દેસાઈ વિશ્વાસના સવાલના જવાબમાં જણાવ્યું હતું. તેમને પૂછવામાં આવેલ હતું કે, “તમને શું લાગે છે કે ફાઈનલ મેચ કોની વચ્ચે થશે?”
તમને જણાવી દઇએ કે ભારત અત્યાર સુધીમાં વિશ્વકપમાં કુલ ચાર મેચ રમેલ છે. જેમાંથી એક મેચ વરસાદને કારણે રદ થયેલ છે અને બાકીના ત્રણ મેચમાં ભારતે જીત મેળવેલ છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ જીત મેળવી હતી. વળી બીજા મેચમાં તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
ત્રીજો મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નો વરસાદના કારણે રદ થયો હતો. ત્યારબાદ ઇન્ડિયા નો મુકાબલો પોતાના કટ્ટર વિરોધી પાકિસ્તાન સાથે થયો હતો જેમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને સજ્જડ હાર આપી હતી.