ન્યુઝીલેન્ડ એ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમવામાં આવેલ સેમી ફાઇનલ મેચમાં ભારતને ૧૮ રનથી હરાવીને આઇસીસી વિશ્વ કપ-૨૦૧૯ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મંગળવારના દિવસે વરસાદના કારણે પૂરો ન થઈ શકેલ મેચ બુધવારના દિવસે પૂરો થયો હતો. કિવિ ટીમે ભારતીયને જીતવા માટે ૨૪૦ રનનું લક્ષ્ય રાખેલ હતું. જેને ભારતીય ટીમ સંઘર્ષ બાદ પણ મેળવી શકેલ ન હતું અને ૪૯.૩ ઓવરમાં બધી જ વિકેટ ખોઈને ૨૨૧ રન જ બનાવી શકેલ હતા.
ભારતીય ટીમની આ હાર બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ દુખી દેખાઈ રહ્યા હતા. તેઓએ મેચ બાદ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, “હારને સ્વીકારવી મુશ્કેલ થઈ રહે છે. પરંતુ ન્યુઝીલેન્ડની ટીમ જીતની હક્કદાર હતી. પહેલા ભાગમાં અમારું પ્રદર્શન સારું હતું. અમે વિચારતા હતા કે ન્યુઝીલેન્ડને અમે એવા સ્કોર પર રોકેલ છે જેને મેળવી શકાય છે પરંતુ જે રીતે તેમણે બોલિંગ કરી તેના લીધે અમારી હાર થઈ.”
જાડેજાના વખાણ કરતાં કોહલીએ કહ્યું કે, “મને લાગે છે કે ન્યુઝીલેન્ડના બોલરો એ જે રીતે પ્રદર્શન કર્યું છે તે બધાએ જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ. જાડેજાએ ખૂબ જ સારી રમત દર્શાવી. તેનું પ્રદર્શન ખૂબ જ સકારાત્મક રહ્યું. ન્યુઝીલેન્ડની ટીમ હક્કદાર હતી, તેમણે અમારા પર ખૂબ જ દબાણ બનાવી રાખ્યું. મને લાગે છે કે અમારા શૉટ સિલેકશન વધારે સારા થઈ શકતા હતા.”
જાડેજાએ બનાવ્યા ૭૭ રન
ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ૫૯ બોલમાં ૭૭ રનની અદભૂત રમત દર્શાવી હતી અને મહેન્દ્રસિંહ ધોની એ ૭૨ બોલમાં ૫૦ રન બનાવ્યા. આ બંને વચ્ચે થયેલ શતકીય ભાગીદારી પણ ભારતને જીત ના આપવી શકી. અંતની ઓવરોમાં અહમ સમય પર ન્યુઝીલેન્ડને આ બંનેની વિકેટ લઈને ભારતને હાર આપી.