ભારે વરસાદને કારણે સુરતમાં આજે અમુક શાળાઓ બંધ, સતત વરસતા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, મીઠી ખાડી ઓવરફ્લો

0
76
views

સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાને જળબંબાકાર કર્યા બાદ હવે સુરતમાં પણ શનિવાર અને રવિવારના દિવસે પણ સતત વરસાદ ચાલુ રહેલ હતો. બે દિવસથી ચાલી રહેલા વરસાદના કારણે શહેરનો જનજીવન પ્રભાવિત થયેલ હતું. મીઠી ખાડી ઓવરફલો થયેલ હોવાને કારણે ખાડી કિનારાના વિસ્તારો અને સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પ્રશાસન દ્વારા આવા વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવા માં આવ્યા હતા.

બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શાળા અને કોલેજોમાં સોમવારના દિવસે રજા જાહેર કરવામાં આવી હતી. રવિવારે પણ આખો દિવસ ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. વરાછાના મોટાભાગના વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જેને લઇને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વરસાદના ભરાયેલ પાણીમાં ઘણા વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા હતા.

વરસાદના કારણે વરાછા વિસ્તારમાં ભરાયેલ ફેર પાણીને કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ જોવા મળી હતી. હીરાબાગ, કાપોદ્રા તથા બરોડા પ્રિસ્ટેજ બ્રિજ ઉપર પણ વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

શનિવારે થયેલા સતત વરસાદના કારણે શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે શનિવાર સાંજના સમયે થોડા સમય માટે વરસાદ રોકાયેલ હતો જેના કારણે અમુક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઇ હતી. જોકે રવિવારે વહેલી સવારે ફરીથી વરસાદ શરૂ થયો હતો. રવિવાર હોવાથી મોટા ભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તે સિવાય ખાડીઓ નું પાણી કિનારાઓ ના વિસ્તાર અને સોસાયટીઓમાં ભરેલું રહ્યું હતું.

શહેરની પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થવા આવી ચૂકી છે જ્યારે મીઠી ખાડી ઓવરફ્લો થઈને વહી રહી છે. ખાડી કિનારાઓની હાલતને જોઈને પ્રશાસન દ્વારા ત્યાંના રહેવાસીઓ માટે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના સમયે વરસાદ ઓછો થવાના કારણે જનજીવન પુનઃ કાર્યરત થયું હતું, જેના લીધે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here